વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં મહત્ત્વના માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઈરાનીનો સિતારો રાજકીય ફલક પર ઝગમગી રહ્યો છે. વડાપ્રધાન મોદીના વિશ્વાસુ મંત્રી બનેલા સ્મૃતિ ઈરાની અંગે અનેક વિવાદો હોવા છતાં તેઓનું સ્થાન મોદી કેબિનેટમાં ઉત્તરોઉત્તર વધતું ગયું છે.
મોવડી મંડળના પ્રિતીપાત્ર
આમ જોવા જઈએ તો સ્મૃતિ ઈરાની ગુજરાતમાંથી જ રાજ્યસભાનાં સાંસદ બની મંત્રીપદ સુધી પહોંચેલા છે. લોકસભાની ચૂંટણીમાં અમેઠીમાંથી રાહુલ ગાંધી સામે હાર્યા બાદ પણ તેમને મંત્રીપદ એટલા માટે આપવામાં આવ્યું કે ભાજપ હાઈકમાન્ડ દ્વારા જે કોઈ પણ આદેશ આપવામાં આવ્યા તેના પર યા હોમ કરીને સ્મૃતિ ઈરાનીએ સ્વીકાર કરી હરીફોને બરાબરના હંફાવ્યા છે. દિલ્હીમાં ચાંદની ચોક સંસદીય મત વિસ્તારની લોકસભાની ચૂંટણી હોય કે પછી અમેઠીમાં રાહુલ ગાંધી સામે પડકાર ઝીલવાનો હોય, સ્મૃતિ ઈરાનીએ ભાજપ મોવડી મંડળના નિર્ણયને માથે ચઢાવી ચૂંટણી મેદાનમાં યોદ્વાની જેમ અડીખમ લડત આપી છે.
વિવાદો
સ્મૃતિ ઈરાની અને તેમની ફિલ્મી કે પછી રાજકીય કારકીર્દી વિવાદોથી ઘેરાયેલી રહી છે તો એટલા જ પ્રમાણમાં ભાજપ મોવડી મંડળ સમક્ષ મજબૂત થયેલી છે. હવે તેઓ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પણ વિશ્વાસુ બની ગયા છે. તેમના અભ્યાસ અંગેના પ્રમાણપત્રનો વિવાદ લાંબો ચાલ્યો હતો. તેમના લગ્નને લઈને પણ તેઓ ખાસ્સા ચર્ચામાં રહ્યા હતા.