ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ આજકાલ મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિસ્તાર સમા સૌરાષ્ટ્રના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન જ્યાં જ્યાં પ્રદેશ પ્રમુખ ગયા ત્યાં ત્યાં કોરોનાની ગાઈડલાઈન્સ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘દો ગજ કી દૂરી’નું સરેઆમ ઉલ્લંઘન જોવા મળ્યું છે. શંકરસિંહ વાઘેલા સાથે સંકળાયેલા પાર્થેશ પટેલે એક તસવીર શેર કરી છે, જેમાં સીઆર પાટીલ સાથે 10 નેતાઓ ખુલ્લી જીપમાં સવાર છે. આ તસવીર શેર કરતા પૂછ્યું છેકે, બાળક સાથે 3 મુસાફરી કરો તો મેમો ફાટે અને દંડ થાય અહીં…આમને ક્યાં નિયમ લાગુ પડે છે.
શું નિયમો માત્ર જનતા માટે, રાજનેતા માટે નહીં?
સોશિયલ મીડિયામાં એક તસવીર વાઈરલ થઇ છે અને શંકરસિંહ વાઘેલા દ્વારા નવા રચાયેલા પ્રજા શક્તિ ફ્રન્ટના પ્રવકતા પાર્થેશ પટેલે પણ પોતાના સોશિયલ એકાઉન્ટમાં આ તસવીર શેર કરી છે અને સરકાર સામે સવાલ કર્યો છે. આ તસવીર સુરેન્દ્રનગરના પ્રવાસ દરમિયાનની હોવાનું માનવામાં આવી રહ્યું છે. જે તસવીર વાઈરલ થઇ છે, તે તસવીરમાં સીઆર પાટીલ, ગોરધન ઝડફિયા સહિતના પક્ષના 10 નેતાઓ એક જ જીપમાં ખુલ્લી સવાર થયા છે. સામાન્ય રીતે કોરોનાના કારણે સરકારે એક ગાઈડલાઈન નક્કી કરી છે, જે અનુસાર કારમાં 4 લોકોથી વધુને બેસવાની મનાઇ છે, પરંતુ અહી આ જીપમાં 10 લોકો સવાર છે, ત્યારે નિયમો શુ માત્ર સામાન્ય જનતા માટે જ બનતા હોય છે. રાજકીય નેતાઓ માટે નિયમો હોતા જ નથી. એવા સવાલો ઉઠાવવામાં આવ્યા છે.